Tuesday, March 22, 2011

જન્મકુંડળીનો પરિવર્તન યોગ એટલે સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન

પરિવર્તન યોગને અંગ્રેજીમાં એક્સચેન્જ ઓફ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે.

જન્મકુંડળીનો પરિવર્તન યોગ એટલે સમગ્ર વ્યક્તિત્વનો કાયાકલ્પ અને માનવીની સફળતાનો વિકલ્પ.

જન્મકુંડળીનું અર્થઘટન ફક્ત ૧૨ ગ્રહો, ૧૨ સ્થાન અને ૧૨ રાશિઓના આધારે કરવામાં સંપૂર્ણ જોખમ રહેલું છે. જોકે સમય વીતતાં આ શાસ્ત્રમાં પ્રવીણતા આવતી ગઇ. અમુક કિસ્સા હજુ પણ અમને યાદ આવે છે. અમારી સાથે વિસનગરની કોલેજમાં એક મિત્ર હતા. તેમની જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં હતા. આમ આ બંને ગ્રહો પોતાની અસ્ત રાશિમાં હોઇ અમે અમારા મિત્રને કહેતા કે ભાઇ, તારી કુંડળીમાં બુધ અને ગુરુ બંને નિર્બળ હોઇ તું જીવનમાં કશું જ નહીં કરી શકે. જેમ જેમ તારી ઉંમર વધશે તેમ તેમ બુદ્ધિ બુઢ્ઢી થઇ જશે અને વિદ્યા-અભ્યાસના નામે શૂન્યાવકાશ સર્જાઇ જશે.

પરંતુ અમારા માટે આશ્ચર્ય એ વાતનું છે કે અમારા એ મિત્ર એક નામાંકિત લો કોલેજમાં પ્રોફેસર થયા. ત્યારબાદ તે નામાંકિત અને સફળ વકીલ અને ગ્રાહક સુરક્ષા દળના જજ થયા. તેમ જ હાલ તેમની નિમણુંક એક મોટા શહેરમાં સિટી સિવિલ જજ તરીકે કરવામાં આવી છે. તેમનું ભાવિ જોવામાં અમે થાપ ખાઇ ગયા, કારણ કે તેમની જન્મકુંડળીમાં બુધ-ગુરુ વચ્ચે પરિવર્તન યોગ હતો. આથી પ્રથમ દ્રષ્ટિએ નિર્બળ દેખાતા ગ્રહોએ રાશિ પરિવર્તન કરી તેના સમગ્ર જીવનના ચિતારને બદલી નાખ્યો.

આ યોગ અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનની કુંડળીમાં પણ છે. જન્મકુંડળીના પરિવર્તન યોગની કથા અને ગાથા અનેરી અને અવર્ણનીય હોય છે. આ પરિવર્તન યોગ સામાન્ય, અદના અને અતિ સામાન્ય કદના માનવીને મહાન બનાવે છે. તમે વિશ્વવિખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડસની કુંડળી જુઓ કે પછી રૂપસામ્રાજ્ઞી અભિનેત્રી શ્રીદેવીની કુંડળી જુઓ.

રાગ અને સ્વરના બેતાજ બાદશાહ સ્વ.મહંમદ રફીસા’બની કુંડળી જુઓ કે ગુજરાતના ગૌરવવંતા અભિનેતા કલાકાર હરિભાઇ ઉર્ફે સંજીવકુમારની કુંડળીનું અવલોકન કરો. તમને આ કુંડળીઓમાં પરિવર્તન યોગ જોવા મળશે. દુનિયાની મોટી મોટી હસ્તીઓ, વિરલ વ્યક્તિઓની કુંડળીમાં આ પ્રકારના યોગ હોય છે અને તેમની સફળતાની મૂળ ગુરુચાવી પરિવર્તન યોગના રહસ્યમાં રહેલી છે. પરિવર્તન યોગ એટલે સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન, જો પરિવર્તન યોગનાં ઉદાહરણ આપવા બેસીએ તો અખબારનાં પાને પાનાં ભરાઇ જાય તેટલા બધા દાખલા અમારી પાસે છે.

વાચકોને થશે કે આ પરિવર્તન યોગ એટલે શું? તેનું જ્યોતિષશાસ્ત્રમાં શું સ્થાન છે? વાચકો પરિવર્તન યોગને સફળતાપૂર્વક સમજી શકે તે માટે અમે અહીં સાદી સમજ આપી છે. પરિવર્તન યોગને અંગ્રેજીમાં એક્સચેન્જ ઓફ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્નાંડના રાશિચક્રમાં કુલ ૧૨ રાશિ અથૉત્ મેષથી મીન રાશિ આવેલી છે. આ દરેક રાશિના જુદા જુદા માલિક ગ્રહો નક્કી કરેલા હોય છે. જેમ કે મેષ રાશિનો માલિક(અધપિતિ) મંગળ કહેવાય અને વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર કહેવાય જ્યારે આ બંને ગ્રહો પોતપોતાની રાશિમાં બિરાજે ત્યારે સ્વગૃહી થયા કહેવાય, કારણ કે મંગળનું ઘર મેષ રાશિ છે અને શુક્રનું ઘર વૃષભ રાશિ છે.

પરંતુ જન્મકુંડળીમાં મંગળ વૃષભ રાશિમાં બિરાજે અને શુક્ર મેષ રાશિમાં હોય તો મંગળ માટે વૃષભ રાશિ અસ્તની અને શુક્ર માટે મેષ રાશિ અસ્તની બને. આમ પ્રથમ દ્રષ્ટિએ જન્મકુંડળીમાં બંને ગ્રહો પોતાનું બળ ગુમાવતા હોય તેવું લાગે. આમ અસ્તની રાશિમાં ગ્રહો જોઇ જ્યોતિષી આડેધડ આગાહી કરવાની શરૂઆત કરે કે ભાઇ તમારા મંગળ, શુક્ર નબળા હોઇ જીવનમાં તમને લગ્નજીવનનું સુખ નહીં મળે, તમને પૈસા નહીં મળે, તમારું જીવન કંગાળ અને ઢંગધડા વિનાનું પસાર થશે, પરંતુ થોડાંક વર્ષો બાદ આ વ્યક્તિ પાસે ધનના ઢગલા હોય, કારમાં ફરતો હોય, મોટા બંગલાનો માલિક હોય ત્યારે પેલા જ્યોતિષીને માનસિક આઘાત લાગે.

પરંતુ તે પરિવર્તન યોગની કમાલ હોય છે જે કાચાપાકા જ્યોતિષીના ધ્યાનમાં ક્યારેક આવતી નથી. કારણ કે પ્રથમ દ્રષ્ટિએ મંગળ-શુક્ર અસ્તના બળવિહીન લાગે છે, પરંતુ બંને ગ્રહો એકબીજાની સ્વરાશિમાં હોય છે જેને રાશિનું પરિવર્તન કહે છે. આવો પરિવર્તન યોગ બહુ જ ઓછી જન્મકુંડળીમાં જોવા મળતો હોય છે. એવું ભાગ્યે જ બનતું હોય છે કે સાપ કાંચળી ઉતારે અને હંસ બની જાય, પરંતુ પરિવર્તન યોગમાં એવું શક્ય છે. જન્મકુંડળીનો પરિવર્તન યોગ એટલે સમગ્ર વ્યક્તિત્વનો કાયાકલ્પ અને માનવીની સફળતાનો વિકલ્પ.

No comments:

Post a Comment