કુંડળીમાં મંગળ-બુધનો સંબંધ હોય અને તેમની લોકપ્રિયતાનો આંક ઊંચો હોય.
-બુધ મંગળની શક્તિના સ્ત્રોતનો સદુપયોગ કરી તેને હકારાત્મક બનાવી સન્માર્ગે અને સચ્ચાઇની રાહ પર લઇ જાય છે.
-શ્રીકાંતની કુંડળીમાં સાતમે મંગળ-બુધની યુતિ છે.
-અમિતાભ બચ્ચનની કુંડળીમાં આઠમે મંગળ-બુધની યુતિ છે.
ભારત-પાકિસ્તાનની શત્રુતા કે અમેરિકા-ઇરાકની દુશ્મનાવટ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. આવી અને કદાચ આનાથી પણ વધુ શત્રુતા બ્રહ્નાંડમાં ગ્રહો વચ્ચે પણ હોય છે. મંગળ અને બુધ ગ્રહોની દુશ્મનાવટ જ્યોતિષ જગતમાં જાણીતી છે. માનવી માનવી વચ્ચેની દુશ્મનાવટ ક્યારેક સર્વનાશ નોતરે છે પરંતુ ગ્રહો વચ્ચેનો ગજગ્રાહ અને શત્રુતામાં કેટલી ખેલદિલી હોય છે તેનો અહેસાસ આ લેખ વાંચ્યા પછી આપને થશે.
આઝાદીના પ્રણેતા અને રચિયતા આપણા રાષ્ટ્રપિતા સ્વ. મહાત્મા ગાંધીની જન્મકુંડળીમાં લગ્ને મંગળ-બુધની યુતિ છે. અમિતાભ બચ્ચનની કુંડળીમાં આઠમે મંગળ-બુધની યુતિ છે. ફળ સ્વરૂપે આ મહાન કલાકારની લોકપ્રિયતાનો આંક આજે પણ અકબંધ છે. અમિતાભની સિદ્ધિઓ આભની પણ આરપાર છે. અત્યંત આદર્શવાદી અને શિવાંબુ પ્રયોગના આગ્રહી ભારતના એક વખતના વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇની કુંડળીમાં આઠમે મંગળ-બુધની યુતિ છે.
જેમના શબ્દે શબ્દે ક્રાંતિની પુકાર અને જેમનાં વાક્યોમાં જાદુ-વ્યક્તિત્વમાં ચુંબકીય આકર્ષણ હતું. એવા શબ્દોના સોદાગર રજનીશજીની કુંડળીમાં પણ મંગળ-બુધનો સંબંધ છે.સૂરક્ષિતિજના સિતારા અને દર્દીલા અવાજ વડે કરોડો હૈયાની લાગણીઓને ઝણઝણાવનાર સ્વ. ગાયક મુકેશની કુંડળીમાં લાભ સ્થાને મંગળ-બુધની યુતિ છે.
ક્રિકેટ ક્ષેત્રે વિચારીએ તો વન-ડે ક્રિકેટમાં પ્રાણ પૂરનાર અને જેના દરેક ફટકામાં મંગળના જુસ્સાનો અનુભવ થતો હતો તેવા કે. શ્રીકાંતની કુંડળીમાં સાતમે મંગળ-બુધની યુતિ છે.અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. જહોન એફ કેનેડીની કુંડળીમાં પણ આઠમે મંગળ-બુધની યુતિ છે.
આવા અલભ્ય અને અસંખ્ય ઉદાહરણ અમારી પાસે છે કે જેમની કુંડળીમાં મંગળ-બુધનો સંબંધ હોય અને તેમની લોકપ્રિયતાનો આંક ઊંચો હોય. મંગળ-બુધનો સંબંધ માનવીને કેમ મહાન અને લોકપ્રિય બનાવે છે તે સમજવા આપણે આ બે ગ્રહોને સમજવા પડે. મંગળ એ માનવીની કાર્ય-કર્મ કરવાની શક્તિ છે. મંગળ એ ક્રાંતિકારી ગ્રહ છે. મંગળ એટલે ઝડપ-એનર્જી-ઉત્સાહ-નીડરતા-નિર્ભયતા-સ્ફૂર્તિ-પ્રયત્નો-સાહસ અને જુસ્સો વગેરે બાબતો સાથે સંકળાયેલો ગ્રહ છે.
મંગળનો વિચાર કર્યા બાદ આપણે બુધ ગ્રહનો વિચાર કરીએ. બુધ એટલે બુદ્ધિ-હોશિયારી-ચતુરાઇ-વાકછટા-સાહિત્ય-સલાહ-કલા રસિકતા-કાવ્યપ્રેમ અને બુધ એટલે જ્ઞાનતંતુ પરનું નિયંત્રણ. પત્રવ્યવહાર-ભાષા-સમાચાર-વક્તવ્ય અને વિચારોનો વિનિમય એટલે બુધ. ટૂંકમાં બુધ સમગ્ર બુદ્ધિવાદ કૌશલ્ય અને ચતુરાઇ સાથે સંકળાયેલો ગ્રહ છે. આમ મંગળ-બુધનો સંબંધ માનવીને ઝડપી નિર્ણય શક્તિ આપે છે. મંગળની ઝડપ અને શક્તિને બુધ પોતાની ચતુરાઇ અને કૌશલ વડે યોગ્ય અને સાચા માર્ગે વાળે છે.
કારણ કે બુધમાં મંગળની તાકાત અને શક્તિને ઓળખવાની બુદ્ધિ છે. જો કુંડળીમાં મંગળ એકલો હોય તો મંગળ તેના ઉતાવળિયા સ્વભાવને લઇને ખોટા નિર્ણય લઇ શકે પરંતુ જો મંગળ કુંડળીમાં બુધની સાથે હોય તો બુધ પોતે મંગળના નેતૃત્વના ગુણને યોગ્ય માર્ગે વાળે છે. બુધ મંગળની શક્તિના સ્ત્રોતનો સદુપયોગ કરી તેને હકારાત્મક બનાવી સન્માર્ગે અને સચ્ચાઇની રાહ પર લઇ જાય છે.
બુધમાં વક્તવ્યની વાકછટા છે તો મંગળ આ વાકછટામાં જુસ્સો-ઉત્સાહ અને ઉમંગ ભરે છે. બુધની વાણીમાં મંગળનો જુસ્સો જાતકને શ્રેષ્ઠ વકતા બનાવે છે. પરિણામે મંગળ-બુધની યુતિવાળા જાતકોનાં ભાષણો શ્રોતાઓની તાળીઓના અધિકારી બને છે. મંગળ-બુધની યુતિના કારણે ગાંધીજીને ધૈર્ય અને હિંમત મળ્યાં અને ભારતવાસીઓને આઝાદી મળી. મંગળ ઝડપ તો બુધ ઝડપ પર નિયંત્રણ છે. મંગળ શક્તિ છે તો બુધ જનરેટર છે. મંગળ નેતૃત્વ તો બુધ નેતૃત્વની સમજ છે. મંગળ કર્મ છે તો બુધ કર્મનું સફળ પરિણામ છે. મંગળ પ્રયત્ન અને બુધ પ્રયત્નની સાર્થકતા છે. મંગળ શસ્ત્ર છે અને બુધ તે શસ્ત્રનું શાસ્ત્ર છે. મંગળ-બુધનો સંબંધ એટલે ક્રાંતિની દિશામાં સાચું મંગલાચરણ.
No comments:
Post a Comment