Tuesday, March 22, 2011

વિદેશગમન-એક અનુભવસિદ્ધ અને સીધી વાત

તમારી કુંડળીના ગ્રહો તમને સાથ અને હાથ આપશે કે નહીં

-જન્મકુંડળીનું બારમું સ્થાન એટલે વ્યય-જેલ અને ગૂઢ બાબતોનું સ્થાન.

-તમારી કુંડળીના ગ્રહો તમને સાથ અને હાથ આપશે કે નહીં

વિદેશગમન એટલે શારીરિક અને માનસિક દમન, કારણ કે વિદેશગમન એટલે વિપરીત પરિસ્થિતિ અને ગુલામીને સામે ચાલીને નમન. માનું ઘર છોડીને માસીના ઘેર રહેવાની વાત એટલે વિદેશગમન. અલબત્ત, આ વાત અનુભવે જ સમજાય પણ ઝેરનાં પારખાંનો અનુભવ ભારે પડે. વિદેશ ચોક્કસ જવાય અને વિદેશમાં સ્થિર પણ થવાય પણ જો નસીબ અને કુદરત સાથ આપે તો ગ્રહો પોતાનો હાથ આપે.

તમારી કુંડળીના ગ્રહો તમને સાથ અને હાથ આપશે કે નહીં તે જાણવા કુંડળીના કુંડાળામાં ફરવું પડે અને નક્કી કરવું પડે કે દેશી દેહને વિદેશી વાઘા માફક આવશે કે નહીં? ગતાંકમાં વિદેશગમનને લઇ આપણે એક અનુભવસિદ્ધ યોગ એટલે કે પરિવર્તન યોગની વાત કરી. હવે આ લેખમાં વાચકોને એક અન્ય સચોટ વિદેશ યોગની ચર્ચા કરી તમને મફતમાં વિદેશગમન કરાવીએ.

વિદેશગમન યોગ અને વિદેશમાં સ્થિર થવા અંગે એક અન્ય યોગ અમારા ધ્યાન પર આવ્યો છે, તે યોગને આપણે બે બારનો યોગ કહીશું. આ બે બારનો યોગ એટલે શું તેને સરળતાથી સમજીએ. જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. આ બાર સ્થાનમાં બીજું સ્થાન એટલે ધન-વાણી-કુટુંબ સ્થાન અને જન્મકુંડળીનું બારમું સ્થાન એટલે વ્યય-જેલ અને ગૂઢ બાબતોનું સ્થાન. જન્મકુંડળીના બીજા અને બારમા સ્થાનના અધિપતિ અગર માલિક ગ્રહો સંબંધમાં આવે એટલે તમારા ભાગ્યમાં વિદેશ યોગ લખાઇ જાય. ઉદાહરણથી સમજાવીએ.

ધારો કે તમે કન્યા લગ્નની કુંડળીના જાતક છો અર્થાત્ તમારી જન્મકુંડળીના પ્રથમ સ્થાનમાં છનો અંક આવે. હવે તમારી કુંડળીના બીજા સ્થાનમાં તુલા રાશિ આવે અને બારમા સ્થાનમાં સિંહ રાશિ આવે. તુલા રાશિનો માલિક ગ્રહ શુક્ર ગણાય અને સિંહ રાશિનો માલિક સૂર્ય થાય. આમ જો તમારી કન્યા લગ્નની જન્મકુંડળીમાં શુક્ર અને સૂર્યની યુતિ થાય તો તેને બીજા અને બારમા સ્થાનના અધિપતિઓનો સંબંધ અગર યુતિ થઇ કહેવાય અને આ સંબંધ તમારી કુંડળીનો વિદેશ યોગ બની જાય.

અહીં આપેલી કુંડળી નં. ૧ જુઓ... ૧૯૮૦માં જન્મેલા આ જાતક અત્યારે લંડનમાં છે અને ખૂબ જ સારો હોદ્દો તેમજ માન અને મોભો ધરાવે છે. વિદેશમાં તેઓ ૨૦૦૨ની સાલમાં ગયેલા અને શરૂઆતમાં એકાદ વર્ષ સાધારણ સંઘર્ષ કરેલો પણ હાલ તેઓ તમામ પ્રકારનાં ઐશ્વર્ય ભોગવે છે. તેમની કર્ક લગ્નની કુંડળીમાં બીજા સ્થાનનો અધિપતિ સૂર્ય અને બારમા સ્થાનનો અધિપતિ બુધ બંને વૃષભ રાશિમાં અગિયારમે યુતિ કરે છે. આમ આ કુંડળીમાં બે બારનો યોગ થયો કહેવાય. બીજા અને બારમા સ્થાનના અધિપતિના સંબંધની કમાલે આ ભાઇને વિદેશ યોગનો કમાલ કરી બતાવ્યો.

આ કુંડળી તુલા લગ્નની છે. ૧૯૫૬માં આ બહેનનો જન્મ થયો છે. લગ્ને તુલાનો મંગળ બીજે રાહુ શનિ અને બારમા સ્થાનના અધિપતિ બુધ અને બીજા સ્થાનના અધિપતિ મંગળનો લગ્ને પ્રથમ સ્થાનમાં સંબંધ થયો છે. દસમે ગુરુ આઠમે કેતુ અને નવમે ચંદ્ર ઉપરાંત અગિયારમે શુક્ર અને સૂર્ય બેઠા છે. યુએસએમાં આ બહેન એકદમ સુંદર પરિસ્થિતિમાં પોતાની જિંદગી જીવે છે. આમ બે બાર એટલે કે મંગળ અને બુધના સંબંધે તેમને પાક્કો વિદેશ યોગ આપ્યો છે.

વિદેશ યોગ કે ગમન એ ઇશ્વરીય દેન અને નસીબ ઉપરાંત ગ્રહોની મહેરબાની છે. જો આપની કુંડળીમાં પણ આવો યોગ હોય તો ખુશ થજો પરંતુ આવા કોઇ યોગ ના હોય તો નિરાશ થયા વિના માતૃભૂમિ અર્થાત્ મા ભોમની ધરતી પર આનંદ માણજો. કારણ કે તેના જેવું સુખ બીજે ક્યાંય નથી.

No comments:

Post a Comment