ગ્રહાગ્રહ
સૌરમંડળમાં સઘળા ગ્રહો સૂર્યની ગોળ ફરે છે. પોતપોતાના માર્ગ પર તે નિરંતર પરિક્રમા કરતાં રહે છે. સૂર્યથી વધારે દૂર ગ્રહોના ક્રમમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ છે. મનુષ્યો એટલે કે આપણે પૃથ્વી પર વસવાટ કરીએ છીએ તેથી પૃથ્વી પર ગ્રહોના પ્રભાવોના આકલન માટે પૃથ્વીના સ્થાને સૂર્યને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ માનવામાં આવેલ છે.
રાહુ-કેતુ ગ્રહોના સંબંધમાં પુરાણોમાં એવી કથા છે કે દૈત્યો અને દેવતાઓના સંયુક્ત પ્રયત્નોથી સાગરમંથનમાંથી નીકળેલ અમૃતના વિતરણ વખતે એક દૈત્ય પોતાનું સ્વરૂપ બદલીને દેવતાઓની હારમાં બેસી ગયો અને તેણે અમૃતપાન કરી લીધું. તેથી આ ચાલાકી જ્યારે સૂર્ય અને ચંદ્રદેવની ધ્યાનમાં આવી ત્યારે તેઓ બોલી ઊઠયા કે આ તો દૈત્ય છે. તે જ ક્ષણે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી આ દૈત્યનું મસ્તક કાપી નાખ્યું. અમૃતનું પાન કરી લેવાને કારણે આ દૈત્યના શરીરનાં ઉપર અને નીચેનાં બંને અંગો જીવિત રહ્યાં. શરીરનો ઉપરનો મસ્તકનો ભાગ રાહુ તથા નીચેનો ધડનો ભાગ કેતુના નામથી જાણીતો થયો. આ બંને સૂર્ય અને ચંદ્ર સાથે પ્રબળ શત્રુતા ધરાવતા હોવાને કારણે તેમને સમયે સમયે ગ્રહણના રૂપમાં ગ્રસિત કરતાં રહે છે.
રાહુ અને કેતુનું સૌરમંડળમાં પોતાનું કોઈ ભૌતિક અસ્તિત્વ અને સ્વરૂપ ન હોવાના કારણે આ બંને વસ્તુતઃ છાયા ગ્રહ છે અને તેટલા માટે તેમની પોતાની કોઈ રાશિ નથી. દૈત્ય કુળના હોવાને કારણે તેમનો રંગ કાળો છે, સ્વભાવ ક્રૂર, વર્ણ મ્લેચ્છ અને પ્રકૃતિ તમોગુણી (પાપી) માનવામાં આવે છે. રાહુ-કેતુની તુલના સાપ સાથે પણ કરવામાં આવી છે. રાહુને સાપનું મોં માનવામાં આવે છે અને કેતુને તેની પૂંછડી માનવામાં આવે છે. આ સાપ અંધકારનું પ્રતીક સમો હોય છે.
રાહુ-કેતુ હંમેશાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે અને તેમનું એક રાશિનું ભ્રમણ લગભગ ૧૮ માસનું તથા પૂર્ણ રાશિ ચક્રનું ભ્રમણ ૧૮ વર્ષોનું મનાયું છે. જો કોઈ ગ્રહ રાહુ-કેતુથી અંશોમાં ઓછો હોય તો ભ્રમણ વખતે તેને આ બંનેનો સામનો કરવો પડશે. જેના ફળસ્વરૂપે આ ગ્રહની શક્તિ ક્ષીણ થઈ જશે. રાહુ-કેતુના અંશોથી વધારે અંશોવાળા કોઈ પણ ગ્રહને આ બંનેની વચ્ચેથી પસાર થવું પડશે નહીં અને આ બંને ઉત્પ્રેરકના રૂપમાં તે ગ્રહના પ્રભાવ પર અસર પાડશે. રાહુ-કેતુની પોતાની કોઈ રાશિ ન હોવાથી જે ભાવ અને રાશિમાં તે બેઠેલો હોય તથા જો ભાવેશની સાથે બેઠેલા હોય કે સંબંધ રાખતા હોય તો તેની સાથે સંબંધિત ફળ આપે છે. રાહુ-કેતુ સાથે સંબંધિત ગ્રહના પ્રભાવમાં ઉત્પ્રેરકનું કાર્ય કરે છે એટલે કે જો તેઓ યોગકારક ગ્રહની સાથે હોય તો યોગકારક અને મારક ગ્રહની સાથે હોય તો મારક થઈ જાય છે. આ ગ્રહો (રાહુ-કેતુ)નો સ્વભાવ અનિશ્ચયાત્મક છે. એટલા માટે તેઓ અપ્રત્યાશિત રૂપથી સંબંધિત ગ્રહના ફળમાં વૃદ્ધિ કરે છે. પરંતુ પછીથી તે આ ફળ છીનવી પણ લે છે.
રાહુમાં શનિ તથા કેતુમાં મંગળના સમાન ગુણ મળી આવે છે. ગુરુ સમાન રાહુ-કેતુ તેમની સ્થિતિથી પાંચમા, સાતમા અને નવમા સ્થાનો કે ઘર પર પૂર્વ દૃષ્ટિ માનવામાં આવી છે. પાપી સ્વભાવના કારણે તેઓ જન્મકુંડળીના કેન્દ્રસ્થાન (૧, ૪, ૭, ૧૦મા)ં ઉદાસીન (ન શુભ કે ન અશુભ) રહે છે. લગ્ન તથા ત્રિકોણ (પાંચમું અને નવમું સ્થાન) સ્થાનમાં શુભ અને બીજા તથા બારમા સ્થાનમાં ઉદાસીન, ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા સ્થાનમાં પાપી અને આઠમા સ્થાનમાં મહાપાપી હોય છે. તેઓ જો કેન્દ્ર (ચોથા, સાતમા અને દસમા ઘર)માં સ્થિત થઈ ત્રિકોણ (પાંચમા અને નવમા) સ્થાનના સ્વામી સાથે સંબંધ સ્થાપિત કરે અથવા ત્રિકોણમાં સ્થિત થઈને કેન્દ્રના સ્વામી સાથે સંબંધ સ્થાપિત કરે તો રાહુ-કેતુ ઘણું જ શુભ ફળ આપે છે. સૂર્ય અને ચંદ્ર રાહુ-કેતુના પ્રબળ શત્રુ હોવાને કારણે તેની સાથે યુક્ત હોય અથવા સંબંધ સ્થાપિત થાય તો તેઓ આ બંનેની શક્તિને તેઓ ક્ષીણ કરી દે છે. આઠમા સ્થાનમાં જો અષ્ટમેશ અથવા અન્ય કોઈ પાપી ગ્રહની સાથે રાહુ-કેતુ હોય તો પરમ અશુભ થઈને મૃત્યુ સમાન કષ્ટ આપી શકે છે.
No comments:
Post a Comment