Wednesday, December 15, 2010

વિંશોત્તરી મહાદશાના ગ્રહોનો ફળાદેશ

દશાફળ

ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળના શુભાશુભ જાણવાને માટે જ્યોતિષીઓ અને આચાર્યોએ દશાનું નિર્માણ કર્યું છે. આમેય દશા અનેક પ્રકારની હોય છે. જેમાં વિંશોત્તરી દશાનું મહત્ત્વ વિશેષ છે. વર્તમાનકાળમાં દેશનાં પૂર્વોત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં મોટે ભાગે વિંશોત્તરી દશાનો ઉપયોગ કરવામાં આવે છે.

સૂર્યની મહાદશા

સૂર્યની મહાદશામાં જાતકનું ચિત્ત ઉદ્ધિગ્ન બની રહે છે. તેને પરદેશવાસ, ચોટ, અનેક પ્રકારના કલેશ, ક્ષોભ, ધનનો નાશ, ભાઈ-બંધુઓથી વિયોગ, શત્રુથી ભય વગેરે કષ્ટોનો સામનો કરવો પડે છે.

ચંદ્રની મહાદશા

ચંદ્રની મહાદશામાં જાતકનાં બળ, વીર્ય, પ્રતાપ, સુખ, ધન, ભોજન વગેરેની વૃદ્ધિ થાય છે. તેને મિષ્ટાન્ન-ભોજન, દિવ્ય શૈયા, આસન, છત્ર, વાહન, સુવર્ણ, ભૂમિ તથા અનેક પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

મંગળની મહાદશા

મંગળની મહાદશામાં જાતકને શસ્ત્ર દ્વારા ચોટ, અગ્નિ અથવા રોગોનો ભય, ધનની હાનિ, ચોરી, વ્યવસાયમાં હાનિ, અચાનક આવી પડતાં દુઃખ વગેરેનો સામનો કરવો પડે છે.

રાહુની મહાદશા

રાહુની મહાદશામાં જાતકને અતિભ્રમ, સર્વશૂન્ય, વિપત્તિ, કષ્ટ, રોગ, ધનનો નાશ, પ્રિય વ્યક્તિથી વિયોગ, મૃત્યુ સમાન કષ્ટ તથા અન્ય અનેક પ્રકારનાં દુઃખોનો સામનો કરવો પડે.

ગુરુની મહાદશા

ગુરુ એટલે કે બૃહસ્પતિની મહાદશામાં જાતકને રાજા કે સરકાર દ્વારા સન્માન, મિત્ર અને રત્નોનો લાભ, શત્રુઓ પર વિજય, આરોગ્ય, શારીરિક બળ તથા અનેક પ્રકારનાં સુખોનો લાભ થાય છે. તેના સઘળાં મનોરથ પૂર્ણ થાય છે અને સફળતાં મળે છે.

શનિની મહાદશા

શનિની મહાદશામાં જાતકને મિથ્યા અપવાદ, બંધન, આશ્રયનો નાશ, ધન-ધાન્ય અને સ્ત્રીથી દુઃખ, સઘળાં કાર્યોમાં હાનિ તથા નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે.

બુધની મહાદશા

બુધની મહાદશામાં જાતકને અનેક પ્રકારના ભોગ, સુખ, ધન, વૈભવ તથા દિવ્ય સ્ત્રીઓની પ્રાપ્તિ થાય છે. તેના આનંદ તથા ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે.

કેતુની મહાદશા

કેતુની મહાદશામાં જાતકને અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિ, ભય, રોગ, સંકટ, હાનિ, વિયોગ અને અનર્થો સામે ઝઝૂમવું પડે છે.

શુક્રની મહાદશા

શુક્રની મહાદશામાં જાતકને મિત્રો દ્વારા ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ, સ્ત્રીઓ દ્વારા વિલાસ, ધન, વાહન, છત્ર, મિલકત-સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે. તેનાં સઘળાં મનોરથો પૂર્ણ અને સફળ થાય છે.

Share This

No comments:

Post a Comment