Previous Articles
* માતા અંજની પૂર્વજન્મમાં અપ્સરા હતી
* જન્મકુંડળીમાં કર્કનો ગુરુ લગ્નજીવન માટે નરક સમાન
અંકશાસ્ત્ર આપણા ઋષિઓની શોધ છે. અંકવિજ્ઞાનને જાણનારો અનેક પ્રકારની આગાહીઓ કરી શકે છે.
તાંડવનૃત્ય કરી રહેલા શિવે પોતાનું ડમરુ નવ અને પાંચ એમ ચૌદ વાર વગાડ્યું. આનો અવાજ પાણિની નામના મુનિએ સાંભળ્યો અને તેના ઉપરથી સંસ્કૃત વ્યાકરણ, સ્વર અને વ્યંજનોની રચના અને અંકોની રચના કરવામાં આવી. આપણી દરેક વસ્તુ અંક સાથે જોડાયેલી છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, ચૌદ બ્રહ્નાંડ, પચીસ તત્વો, નવનાથ, દસ દિક્પાલ આ પ્રમાણે એકથી નવ અને શૂન્યની રચના આપણા પૂર્વજોની ભેટ છે.
આજે આપણે છના અંકની ચર્ચા કરીશું. છનો આંકડો આપણી ગ્રહમાળામાં શુક્રની સાથે જોડાયેલો છે. શુક્ર કલા, પ્રેમ, કવિત્વ, નાટક, સિનેમા, વકતૃત્વ શક્તિ, પરોપકાર, લેખનકાર્ય, વિલાસ, હોટલ, હીરાઉદ્યોગ, રૂ, કાપડ, શિક્ષકો, પ્રોફેસરો, શેરબજાર સાથે જોડાયેલો ગ્રહ માનવામાં આવે છે. શુક્રનો રંગ સફેદ છે. શુક્ર સાત્વિક છે. શુક્ર પૂર્વ દિશાનો માલિક છે. પૂર્વ દિશામાં રહેલા શુક્રને બળવાન માનવામાં આવે છે. મોટાભાગે દરેક જન્મકુંડળીમાં શુક્ર અને સૂર્ય એક જ ખાનામાં જોવા મળે છે.
શુક્ર, બુધ અને સૂર્યની ગતિમાં સામાન્ય ફેર જોવા મળે છે. શુક્ર આકર્ષણનો ગ્રહ મનાય છે. બ્રહ્નાંડમાં સૂર્ય પછીનો સૌથી મોટો તારો શુક્ર માનવામાં આવે છે. જન્મકુંડળીમાં શુક્ર જ્યારે રાહુ અથવા મંગળ સાથે આવે છે ત્યારે લગ્નજીવન દુ:ખી કરે છે. છુટાછેડાના પ્રસંગોમાં પણ શુક્ર+રાહુ, શુક્ર+મંગળ, શુક્ર+શનિ જોવા મળે છે. અમારા સંશોધન પ્રમાણે જેનો શુક્ર નિર્બળ અથવા પાપગ્રહો સાથે આવે ત્યારે તેનું લગ્નજીવન દુ:ખમય બની જાય છે. કેટલીક વાર ત્રીસ ગુણાંક મળતા હોય તો પણ શુક્રની સ્થિતિ જોયા વગર લગ્નસંબંધનો નિર્ણય સમજુ જયોતિષીએ આપવો જોઇએ નહીં.
શેરબજાર કે વેપારમાં રોકાણ કરવાની સલાહ પણ શુક્રની સ્થિતિ જોઇને કરવું જોઇએ. છના અંક સાથે શુક્ર જોડાયેલો હોવાથી આવી વ્યક્તિઓમાં શુક્રના ગુણ જોવા મળે છે. આવી વ્યક્તિઓમાં ખૂબ જ ઉદાર અને પરોપકાર વૃત્તિની જોવા મળે છે. બીજાને દુ:ખમાં મદદ કરવા દોડી જાય છે. છના અંક સાથે જોડાયેલી વ્યક્તિઓમાં બીજાનું આકર્ષણ કરવાની શક્તિ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તેમની વાણી મનમોહક હોય છે.
જે વ્યક્તિનો જન્મ કોઇપણ મહિનાની ૬, ૧૫, ૨૪ તારીખે થયો હોય તેવી વ્યક્તિઓ છના અંક સાથે જોડાયેલી હોય છે. છના અંક સાથે જોડાયેલી વ્યક્તિમાં ભક્તિભાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભગવાન તરફનો શુદ્ધ પ્રેમ જોવા મળે છે. મોટાભાગના શ્રેષ્ઠ જ્ઞાની સંન્યાસીઓ છના અંક સાથે જોડાયેલા છે. છના અંકવાળી વ્યક્તિ ઘર, સમાજ, કુટુંબને પ્રેમ કરનારી હોય છે. સામાજિક તેમજ કલ્યાણનાં કાર્યોમાં આવી વ્યક્તિઓ વધારે રસ લે છે. છના અંક સાથે જોડાયેલી વ્યક્તિમાં કોઇ એક કળા સારી રીતે જોવા મળે છે. મોટાભાગના કવિ, લેખકો, સંગીતજ્ઞો છના અંક સાથે જોડાયેલા છે.
છના અંકવાળી વ્યક્તિ પોતાને માન મળે તેવી જગ્યાએ જ જવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિઓ અયોગ્ય સંગમાં આવી જાય તો વિલાસી, વ્યભિચારી, વ્યસની બની જાય છે. કપટ કરવામાં તથા અસત્ય બોલવામાં પાવરધી બની જાય છે. છના અંકવાળી વ્યક્તિએ શુક્રની ઉપાસના કરવી જોઇએ. સાંજના સમયે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં શુક્રનાં દર્શન કરવાં જોઇએ. જન્મકુંડળીમાં શુક્રની સ્થિતિ જાણવી જોઇએ. શુભકાર્ય શુક્રવારે કરવું જોઇએ. સફેદ રંગનાં વસ્ત્રો વધારે પહેરવાં જોઇએ. ડાયમંડ ધારણ કરવો જોઇએ. શુક્રના જાપ કરીને યંત્ર ધારણ કરવું જોઇએ.
ઇતિ શુભમ્.
No comments:
Post a Comment