જ્યોતિષશાસ્ત્રને સમજવું અઘરું નહીં પરંતુ અતિ કઠિન કામ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે શુભ ગ્રહો શુભ ફળ આપે છે અને અશુભ ગ્રહો અશુભ ફળ આપે. જ્યોતિષશાસ્ત્રમાં તમારા જ્ઞાનનું માપ કાઢવાની કોઇ પારાશીશી નથી. જ્યોતિષ સિદ્ધાંત નહીં પરંતુ સાધનાનું શાસ્ત્ર અને અવલોકનનો અભ્યાસ છે. ચંદ્ર-બુધ-ગુરુ-શુક્ર સારું જ ફળ આપે અને રાહુ-શનિ-કેતુ-મંગળ હંમેશાં ખરાબ ફળ આપે તે ચીલાચાલુ માન્યતામાંથી બહાર આવનારને જ જ્યોતિષશાસ્ત્ર ફળે અને પચે છે. ક્યારેક ક્રૂર અને પાપ ગ્રહો કેન્દ્રમાં બેસે તો તેની લીલા અને પરિણામો આશ્ચર્યજનક હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણ આ રહ્યાં.
- સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદની ધન લગ્નની કુંડળી જુઓ. દસમા સ્થાનમાં કન્યા રાશિમાં રાહુ બિરાજમાન છે. આ રાહુએ તેમને સિદ્ધિઓની ચરમસીમાએ પહોંચાડ્યા.
- લેખક તરીકે જેઓએ વિશ્વપ્રસિદ્ધિ મેળવી. સાહિત્યના જેઓ સુલતાન ગણાય અને જેમની સાહિત્યની સેવાઓને લઇને વિશ્વના સૌથી ઊંચા નોબલ પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યા તેવા કવિવર માનદ રવીન્દ્રનાથ ટાગોરની કુંડળીનું અવલોકન કરો. મીન લગ્નની કુંડળીમાં દસમે ધન રાશિના રાહુએ તેમને રાજયોગની સિદ્ધિ સુધી પહોંચાડ્યા તેમાં કોઇ શક નથી.
- પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝની વૃષભ લગ્નની કુંડળી જુઓ. દસમે કુંભ રાશિનો રાહુ બેઠો છે. આ રાહુએ તેમને વિલક્ષણ બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક બનાવ્યા.
- જેમણે બ્રિટિશર્સને ઊભી પૂંછડીએ ભગાવ્યા અને ભારતની પ્રજાને આઝાદીનાં ફળ ચખાડ્યાં. જેમના સાદા વ્યક્તિત્વએ દેશને અસાધારણ સિદ્ધિઓ અપાવી અને પોતે અજર-અમર મહાત્મા કહેવાયા તેવા આપણા ગૌરવવંતા ગાંધીજીની તુલા લગ્નની કુંડળીમાં દસમા સ્થાનમાં કર્કનો રાહુ બિરાજમાન છે અને આ રાહુએ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને માનદ બનાવ્યા. બોલો દસમે રાહુ રાજયોગ કરે છે તે બાબતે આનાથી મોટું ઉદાહરણથી બીજું કોઇ હોઇ શકે?
દસમે રાહુનાં આવાં તો અસંખ્ય ઉદાહરણો છે કે જેના કમાલે વિશ્વમાં અલભ્ય વ્યક્તિત્વને જન્મ આપ્યો છે. દસમે રાહુ વિશે શાસ્ત્રો શું કહે છે તે જોઇએ.
સુશ્લોક શતક ગ્રંથ અનુસાર
યંત્ર ભાવે સ્તિતો રાહુ-કેતુ તત્ફલ દાયકો!
યદગ્રહસ્થ તું સંબંધી તત્ફલાય તમોગ્રહ !!
યધુકત: સપ્તમો યશ્માત્ તત્
સંબંધી તમો ગ્રહ:!
અર્થાત્ રાહુ જન્મકુંડળી ત્રિકોણ અગર કેન્દ્ર સ્થાન (એક-ચાર-પાંચ-સાત-નવ અગર દસમા)માં હોય તે રાજયોગકારી બને છે. રાહુની આ સ્થિતિ તેની દશા-અંતર્દશામાં શ્રેષ્ઠ ફળ આપે છે.
ફળદીપિકા અને સારાવલી ગ્રંથ નીચે પ્રમાણે રાહુની દસમા સ્થાનની ઉપસ્થિતિ વિશે કહે છે.
કર્મરા હૌ પ્રજાતો ય: વિપદ્દાયે શુભાવ્રવાન!
પુણ્યં તીર્થફલં સિદ્ધં ગંગાસ્નાન ફલં સ્મૃતમ્!!
અર્થાત્ જે જન્મકુંડળીમાં રાહુ દસમા સ્થાનમાં હોય તેને જન્મથી ત્રીજી મહાદશામાં પુણ્યતીર્થનું સ્થાન પ્રાપ્ત થાય છે. આમ દસમે રાહુ એટલે રાજયોગ. તમારી કુંડળીમાં પણ જો દસમે રાહુ હોય તો રાજયોગનાં ફળ ચાખવા તૈયાર રહેજો.
No comments:
Post a Comment