ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસો નવરાત્રી વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે પ્રચલિત બની છે.
નવરાત્રી ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેમની વાત જાણીને તેઓ મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ આ દેવી મહાશક્તિ બની ગયાં. તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા. એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. ત્યારથી આ તહેવાર ઉજવાય છે. નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૃપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. તે શક્તિની આરાધનાનું પર્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધીની પ્રાપ્તિ માટે નવરાત્રીથી બીજું કોઇ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીની પણ જાગૃત કરી શકાય છે. નવદુર્ગાનાં પૂજન-અર્ચન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉત્તમ ઉપાય છે. આ નવ દેવીઓ આ મુજબ છે.
શૈલપુત્રી : આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૃપ છે, પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને લીધે તેમને શૈલ પુત્રી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત ધનધાન્યના ભંડારો મેળવે છે.
બ્રહ્મચારિણીઃ શક્તિનું આ બીજું સ્વરૃપ ઉપાસકને અનંત કોટિ ફળ આપનારું છે.
ચંદ્રઘંટાઃ દેવીના આ ત્રીજા સ્વરૃપની પૂજા-ઉપાસના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે.
કુષ્માંડાઃ નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે તેમની આરાધનાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તથા યશ તથા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
સ્કંદમાતાઃ શક્તિના આ પાંચમા સ્વરૃપની પૂજા કરવાથી સમસ્ત ઇચ્છાઓની પૂર્તિ કરે છે અને શત્રુઓનું શમન થાય છે.
કાત્યાયનીઃ તેમની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. તેમના પૂજનથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે અને દુશ્મનોનો સંહાર કરવા માટે તે સમર્થ બને છે.
કાલરાત્રીઃ કાલરાત્રીની પૂજા કરવાથી ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તેજમાં વૃદ્ધિ થાય છે અને દુશ્મનોનો નાશ થાય છે.
મહાગૌરીઃ નવરાત્રીમાં આઠમના દિવસે ગૌરી માતાની પૂજા કરવાનું વિધાન છે. ગૌરીની પૂજા સમસ્ત સંસાર કરે છે. તેમના પૂજનથી નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.
સિદ્ધિદાત્રીઃ નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. તેમની પૂજા-આરાધના કરવાથી મનુષ્ય જેની હંમેશાંથી કામના કરે છે તેવી સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓની પ્રાપ્તિ થાય છે. આદ્યશક્તિની પૂજા-આરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઇએ. નવ દિવસ સુધી સાત ધાન્યના જવારા વાવી ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઇએ. શક્ય હોય તો જપ-તપ-ઉપવાસ કરવાં જોઇએ.
ઋષિ વિશ્વામિત્રે પણ શક્તિ મેળવવા માટે તપ કર્યું હતું અને ઇન્દ્રએ જેના સ્વર્ગ પ્રવેશનો ઇનકાર કર્યો હતો તેવા રાજા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરી હતી. આપણા ઋષિમુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા. દેવાધિદેવ મહાદેવ પણ હંમેશાં તપમાં મગ્ન રહેતા હતા. વાસ્તવમાં આ બધાં દૈવી શક્તિ પ્રાપ્ત કરવા માટે જ શક્તિની આરાધના કરતા હતા. એકાવન શક્તિપીઠોમાં અંબાજીનું વધારે મહત્ત્વ છે, કારણ કે તેમના હૃદયનો પાત જ્યાં થયો હતો ત્યાં અંબાજી શક્તિપીઠ છે. આ સ્થાન અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું છે. ત્યાં આવેલ ગબ્બર પર ચઢી દેવીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. નવરાત્રિમાં ગબ્બરની પ્રતિકૃતિ બાળકો પોતાના મહોલ્લા કે સોસાયટીમાં બનાવે છે જેને મહોલ્લામાતા અથવા ગબ્બર તરીકે તેઓ ઓળખાવે છે. દરરોજ ત્યાં આરતી કરીને ગરબા રમવામાં આવે છે.
નવરાત્રિનું આધુનિક અર્થઘટન
* નવરાત્રિ એ ચોમાસા પછી આવતો તહેવાર છે. પ્રાચીન ખેતીપ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતીક તરીકે દેવીનું અનુષ્ઠાન કરીને તેનાં ચરણોમાં ખેતઉપજ ધરવાની પ્રથા હતી.
* માટીના ગરબાનો ગોળ આકાર, તેનાં છિદ્રો અને અંદર મૂકવામાં આવતો દીવડો એ જીવનું પ્રતીક છે. ગરબો એ માનવ ખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે.
* ગરબે ઘૂમવા માટે પણ ગોળાકાર જ પસંદ થાય છે તેની પાછળ પણ ખગોળશાસ્ત્રીય કારણો રહેલા છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. સમગ્ર સૂર્યમાળા સૂર્યની ફરતે ગોળ ફરે છે. સૂર્ય અને સૂર્યમાળા સહિતનું સમગ્ર બ્રહ્માંડ ગોળ ઘૂમે છે. ગોળાકારમાં ગતિથી ચોક્કસ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાશક્તિ ગોળાકારની અંદર જ સંગ્રહાયેલી રહે છે. માટે જ નવરાત્રિનું પર્વ શક્તિની ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે.
દુર્ગાપૂજા
બંગાળમાં પણ ગુજરાતની જેમ જ શક્તિપૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં એક મોટો પંડાલ બનાવવામાં આવે છે અને તેમાં દુર્ગામાતાની વિશાળ મૂર્તિ મૂકવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે. બંગાળમાં શક્તિ પૂજાનું પ્રચલન આદિકાળથી ચાલતું આવે છે. શક્તિ પૂજાની પ્રતીક દેવી પોતાના ખડગશસ્ત્રથી મહિષાસુરનો સંહાર કરીને મહિષાસુરર્મિદની કહેવાઇ. દેવી દુર્ગા શક્તિની અધિષ્ઠાત્રી છે. તેમની સાથે પદ્મહસ્તા લક્ષ્મી, દેવી સરસ્વતી, ગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે. દુર્ગાના સાનિધ્યમાં આસન ગ્રહણ કરતી દેવી લક્ષ્મી ધન અને સરસ્વતી વિદ્યાની પ્રતીક છે. ગણેશજી હંમેશાં વિઘ્નનો વિનાશ કરનારા શુભ દેવતા છે, જ્યારે કાર્તિકેય જીવનમાં વિનયના પ્રતીક છે. આ જેટલી પણ મૂર્તિઓ છે તે આપણા જ્ઞાનની પ્રતીક છે. જો મહિષાસુર અન્યાય, અત્યાચાર અને અધર્મનું પ્રતીક છે તો દુર્ગા શક્તિ, ન્યાય અને અધર્મનો પ્રતીકાર કરે છે. દુર્ગા પૂજાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે બંગાળમાં દુર્ગા પૂજા ક્યારથી શરૃ થઇ. જો કે આ અંગે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે. એક મત મુજબ ૧૭૯૦ની સાલમાં પહેલી વાર કોલકાત્તાની પાસે હુગલીના બાર બ્રાહ્મણોએ દુર્ગા પૂજાના સામૂહિક અનુષ્ઠાનની શરૃઆત કરી હતી. ઇતિહાસકારોનું માનવું છે કે બંગાળમાં દુર્ગોત્સવ માટે મૂર્તિ નિર્માણની પરંપરાની શરૃઆત અગિયારમી શતાબ્દિમાં થઇ હતી. આજે બંગાળ સહિત સમગ્ર દેશમાં સાંસ્કૃતિક વૈભવના આ પર્વને જનજીવનમાં વ્યાપ્ત કરવાનું શ્રેય ૧૫૮૩ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણને આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તે દુર્ગા પૂજાના ઇતિહાસની પ્રથમ વિશાળ પૂજા હતી. આજે આખા ભારતભરમાં દુર્ગા પૂજાના પંડાલો બનાવવામાં આવે છે.
માનતાના ગરબા
ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ કે ગરબદીપ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ગોળાકાર માટલું જેમાં છીદ્રો હોય છે. કોઇની માનતા કે બાધા પૂરી થાય ત્યારે ગરબો કાઢવામાં આવતો. સામાન્ય રીતે પહેલાં આવી માનતા દીકરાના જન્મની રહેતી, પરંતુ આજે ઇચ્છિત કાર્ય પાર પડે તેની પણ માનતા માનીને ગરબો કાઢવામાં આવે છે. ગરબા માટીના, તાંબાના કે ચાંદીના હોય છે. જેમાં દીવો મુકવામાં આવે છે અને સ્ત્રીઓ દ્વારા માથે ઉપાડીને માતાજીને ગોળ ફરતાં-ફરતાં ગરબા રમવામાં આવે છે. કેટલીક જગ્યાએ ફૂલના ગરબા પણ નીકળે છે. તે સ્ત્રી અને પુરુષ બંને માથે લઇને ફરતાં હોય છે. આજે ગરબામાં આધુનિકતાએ પ્રવેશ કર્યો છે અને મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ નજીકનાં કેટલાંક ગામ એવાં છે કે જ્યાં નવરાત્રીમાં નહીં પરંતુ દિવાળીના દિવસથી લઇને લાભપાંચમ સુધી ગરબા થાય છે. તેને સામાન્ય રીતે માંડવી કહેવામાં આવે છે. માંડવી એટલે માતાજીનું એક પ્રકારનું મંદિર જેની ગોળ ફરતે ગરબા રમવામાં આવે છે.
નવરાત્રી અને અંક ૯
ભારતીય સંસ્કૃતિમાં અંક ૯ છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે સાથે આ અંક નિર્ગુણનું પ્રતીક પણ છે. આપણા બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો પણ નવ છે. પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ, નવ દીપો, નવ નિધિઓ, નવ રત્નો, નવ નાગ, મનુષ્ય દેહમાં રહેલી નવ નાડીઓ અને જીવનના નવ રસ આ બધાંમાં નવના આંકનું મહત્ત્વ છે, જેથી નવની સંખ્યાને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રીમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.
No comments:
Post a Comment