લગ્ન દરેકના જીવનનું એક મહત્વનું પાસું ગણાય છે. પોતાના પરિવારની તથા પોતાની એક આગવી દુનિયા વસાવવાની ઇચ્છા દરેકને હોય છે. સુંદર મકાન હોય, પતિ-પત્ની મિત્ર બનીને આનંદ કરતાં હોય, બાળકોનો ખિલખિલાટ કરતો અવાજ કોને સાંભળવો ન ગમે? યુવાનીના બાગમાં પગ મૂકતાં સર્વને લગ્નનો વિચાર આનંદમગ્ન બનાવી મૂકે છે. મોટી ઉંમર સુધી લગ્ન ન થવાના કારણે કેટલાંક યુવક-યુવતીઓ ચીડિયાં બને છે.
આજે આપણે લગ્નમાં વિલંબ શા માટે? તે વિષયની ચર્ચા કરીશું. લગ્નજીવન માટે ગુરુ, શુક્ર અને સૂર્ય આ ત્રણ ગ્રહો જવાબદાર ગણાય છે. પારાશર ઋષિ ચંદ્રને પણ મુખ્ય માને છે. પુરુષોને સુંદર પત્ની માટે ચંદ્ર અને શુક્રના બળની આવશ્યકતા પડે છે. જ્યારે સ્ત્રીઓને સુંદર પતિ માટે ગુરુ, સૂર્યની આવશ્યકતા પડે છે. અમારા સંશોધન પ્રમાણે જ્યારે જ્યારે કુંડળીમાં પ્રથમ ભાવ અને સપ્તમ ભાવ દૂષિત થાય છે ત્યારે ત્યારે બધું હોવા છતાં લગ્નમાં વિલંબ અને વિઘ્નો આવ્યાં કરે છે. જેની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને મકર, કુંભ, મીન, મિથુન આ રાશિઓ હોય તેવી વ્યક્તિને લગ્નજીવનમાં ખૂબ જ કષ્ટ આવે છે. લગ્ન માટેનો નિર્ણય લઇ શકાતો નથી. જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને શનિ, રાહુ, મંગળ જેવા ગ્રહો શત્રુ રાશિમાં હોય ત્યારે લગ્નમાં વિઘ્નો આવે છે.
ચોથા સ્થાનમાં રહેલો મંગળ પણ લગ્નજીવનમાં વિલંબો અને અડચણો ઊભી કરે છે. પાંચમા સ્થાનમાં રહેલો શનિ પણ લગ્નજીવનમાં વિલંબ, સંઘર્ષ, વિખવાદ આપે છે. કેટલીક જન્મકુંડળીમાં મંગળ+રાહુ, મંગળ+શુક્ર, શનિ+રાહુ, શનિ+ચંદ્ર, શનિ+શુક્ર હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ તથા છુટાછેડા જેવા પ્રસંગો ઉદ્ભવે છે. હવે વાત કરીએ કુંડળીના સાતમા સ્થાનની. આ સ્થાન લગ્નજીવન માટે ખૂબ જ મહત્વનું મનાય છે. જેનું સાતમું સ્થાન બગડે તેનું લગ્નજીવન ડામાડોળ બને છે. પતિ-પત્નીમાં અવિશ્વાસ, વેરભાવ, દ્વેષ, વિખવાદ ઊભા થાય છે. મોટાભાગે જેના સાતમા સ્થાનમાં રાહુ, શનિ, મંગળ, બુધ આ ચાર ગ્રહોનું જોડાણ હોય ત્યારે લગ્નજીવનમાં તથા લગ્નના કાર્યમાં ખૂબ જ અડચણો ઊભી થાય છે. સાતમા સ્થાનમાં મકર, કુંભ, મિથુન, કન્યા વગેરે રાશિઓ હોય ત્યારે પણ લગ્નમાં વિલંબના પ્રસંગો બને છે.
જે વ્યક્તિના સાતમા સ્થાને શનિ+રાહુ, શનિ+શુક્ર, મંગળ+રાહુ, મંગળ+શનિ, બુધ+શનિ, ગુરુ+રાહુ, ગુરુ+શનિ જેવા ગ્રહો હોય ત્યારે પણ લગ્નમાં ખૂબ જ વિઘ્નો નડે છે. છુટાછેડાના કેસમાં પણ મોટાભાગે આ ગ્રહો જ કામ કરતા હોય છે. જેની જન્મકુંડળીમાં શુક્ર કન્યા રાશિમાં અથવા રાહુ અને શનિ સાથે આવે છે ત્યારે અણબનાવ ચરમસીમાએ પહોંચે છે. જેના પ્રથમ સ્થાને અથવા સાતમા સ્થાને મંગળ+શુક્ર, શુક્ર+રાહુ, ચંદ્ર+શનિ જેવા ગ્રહોની યુતિ હોય ત્યારે પતિ-પત્ની અસંતોષની લાગણી અનુભવે છે.
તમારાં દીકરી અથવા દીકરાનાં લગ્નમાં વિલંબ થતો હોય તો ચોક્કસ આમાંથી કોઇ એક કારણ અવશ્ય હશે તેનું સંશોધન કરીને તે ગ્રહોના જપ અથવા સ્તક્ષેત્રપાઠ કરવાથી કાર્ય સરળ બની જાય છે. જે કોઇ ન કરી શકે તે કામ તમારી શ્રદ્ધા તથા તમે કરેલા મંત્રનું બળ કરી આપશે. લગ્નજીવનને લગતાં અન્ય પાસાંઓની ચર્ચા પણ આવતા અંકે કરીશું.
No comments:
Post a Comment