નવરાત્રિને પગલે યાત્રાધામ ચોટીલા રોશનીથી ઝળહળ્યું - Yatradham Chotia is going to enlighten for Navratr - religion.divyabhaskar.co.in
નવદુગૉના પાવન નવલી નવરાત્રિના શુભ પ્રારંભ તા. ૮ ઓક્ટોબરે શરૂ થતો હોવાથી ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર પર ભવ્ય આગોતરું આયોજન કરાયું છે. નવરાત્રિના તહેવારને અનુલક્ષીને સમગ્ર ડુંગરના પગથિયાથી છેક શિખર સુધીના ભાગ સુધી રંગબેરંગી રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પ્રસંગે હજારો માઇભક્તો ચોટીલા ડુંગરે ચામુંડાના દર્શન માટે આવતો હોવાથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ડુંગર સિકયોરીટી ગાર્ડઝની પણ વ્યવસ્થા ગોઠવાઇ છે.
નવરાત્રિના પ્રથમથી છેલ્લા નોરતા સુધી ડુંગર પર ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ડુંગર પર ગર્ભદ્વારમાં બિરાજમાન ચામુંડા માતાજીની દૈદિપ્યમાન પ્રતિમાને વિવિધ ફૂલ, કિંમતી ઇમિટેશન જવેલરી, અમેરિકન ડાયમંડના સેટ, ચાંદીના અલંકારો સહિત રોજ અલગ અલગ શણગાર કરવામાં આવશે.
જ્યારે આઠમના દિવસે માતાજીની સમગ્ર મૂર્તિને સુવર્ણ અલંકારો વડે સજાવવામાં આવશે.તા. ૧૫મી ઓક્ટોબર આઠમાં નોરતાની ઉજવણી પ્રસંગે ડુંગર પર સવારે ૮ વાગ્યે નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. જ્યારે સાંજે ૪ વાગ્યે હવનકુંડમાં બીડું હોમાશે. ત્યારબાદ સાંજે ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
માતાજીનું મંદિર સવારે પાંચ વાગ્યે ખુલી જશે -
મહંત રવિગિરિ અમૃગિરિ ગોસાઇએ જણાવ્યું કે, નવરાત્રિના નવ દિવસ તળેટીમાં આવેલા ડુંગરના પગથિયાના ગેટ ખોલવાનો સમય પરોઢે ૪.૩૦ વાગ્યે છે. આથી માતાજીનું મુખ્ય ગર્ભદ્વાર દર્શનાર્થીઓ માટે સવારે પાંચ વાગ્યે ખુલી જશે.
No comments:
Post a Comment