જન્મકુંડળીમાં કેટલાક વિશિષ્ટ યોગો - Special Yog in Janmakundali - religion.divyabhaskar.co.in
આપણા ઋષિઓએ અનેક યોગો શોધેલા છે, પરંતુ અભ્યાસ તથા અનુભવના અંતે આ યોગોનો પૂર્ણ ખ્યાલ આવે છે. યોગ શબ્દને સરળ ગુજરાતીમાં માણસનું નસીબ કહેવાય છે.
મનુષ્યની જન્મકુંડળી તેનાં સંચિત કર્મોનો સરવાળો હોય છે. ગત જન્મે શું બેલેન્સ કુદરતની બેંકમાં જમા છે તેનું જ્ઞાન જન્મકુંડળીથી પ્રાપ્ત થાય છે. જેમ કરોડપતિના હાથમાં તથા ગર્ભશ્રીમંતોના હાથમાં વિશિષ્ટ પ્રકારની ધનરેખા જોવા મળે છે. તેવી રીતે જન્મકુંડળીમાં પણ કેટલાક વિશિષ્ટ યોગ હોય છે. ખૂબ જ અભ્યાસના અંતે તે યોગોનો ખ્યાલ આવે છે. આજે આપણે કેટલાક યોગોની ચર્ચા કરીશું.
હલ યોગ : આ યોગ ત્રણ પ્રકારે બને છે. જન્મકુંડળીના બીજા, છઠ્ઠા અને દસમા ઘરમાં બધા જ ગ્રહો સ્થિત હોય ત્યારે હલ યોગ બને છે. બીજી રીતે બધા જ ગ્રહો જ્યારે ત્રણ, સાત અને અગિયારમા સ્થાને હોય ત્યારે પણ હલ યોગ બને છે. ત્રીજી રીતે બધા જ ગ્રહો જ્યારે ચોથા સાતમા અને બારમા સ્થાને હોય ત્યારે પણ આ યોગ બને છે. આ યોગમાં જન્મનારો ખૂબ જ ખાઉધરો, ચાડી કરનારો, અનેક મિત્રો બનાવી ખટપટ કરનારો, લોકોમાં પ્રિય તથા ધનની અછત ભોગવનારો બને છે.
યૂપ યોગ : યૂપ શબ્દનો અર્થ થાય છે યજ્ઞમંડપનો મુખ્ય સ્તંભ. કુંડળીમાં એકથી ચોથા સ્થાન સુધીમાં બધા જ ગ્રહો આવે ત્યારે આ યોગ બને છે. આ યોગમાં જન્મનારો ખૂબ જ જ્ઞાની, યજ્ઞો કરાવનારો, પરિવારથી યુક્ત, પરાક્રમવાળો, આચાર-વિચારવાળો બને છે.
શંખ યોગ : કુંડળીમાં જ્યારે ચારથી સાતમા સ્થાન સુધીમાં બધા જ ગ્રહો આવી જાય ત્યારે શંખ યોગ બને છે. શંખ યોગમાં જન્મનારો ખૂબ જ ધન પ્રાપ્ત કરે છે. સદા માટે વ્યસ્ત રહે છે. જ્ઞાની, ધાર્મિક બને છે, પરંતુ આ યોગમાં જન્મનારો ખૂબ જ ઇર્ષાળુ પ્રકૃતિનો હોય છે.
ઘ્વજ યોગ : કુંડળીમાં બધા જ ગ્રહો દસમા સ્થાનથી પ્રથમ સ્થાન સુધીમાં હોય ત્યારે ઘ્વજ યોગ થાય છે. આ યોગમાં જન્મનારો ધનવાન, પરાક્રમી અને સદા વ્યસ્ત રહેનારો બને છે.
શકટ યોગ : પ્રથમ અને સપ્તમ આ બે સ્થાનોમાં જ્યારે બધા જ ગ્રહો આવે ત્યારે આ શકટ નામનો યોગ બને છે. આ યોગમાં જન્મનારો દુ:ખ ભોગવવા માટે તથા રોગોથી પીડા પામવા માટે જ જન્મ ધારણ કરે છે.
વિહગ યોગ : કુંડળીમાં બધા જ ગ્રહો જ્યારે ચોથા અને દસમા સ્થાને આવી જાય ત્યારે વિહગ નામનો યોગ બને છે. આ યોગમાં જન્મનારો સતત ભ્રમણ કરનારો સંદેશા લઇ જનારો દૂત, વાદવિવાદમાં ખૂબ જ પ્રવીણ તથા મંદભાગી હોય છે.
આપણા ઋષિઓએ આવા અનેક યોગો શોધેલા છે, પરંતુ અભ્યાસના અંતે તથા અનુભવના અંતે આ યોગોનો પૂર્ણ ખ્યાલ આવે છે. યોગ શબ્દને સરળ ગુજરાતીમાં માણસનું નસીબ કહેવાય છે.
No comments:
Post a Comment