Tuesday, March 22, 2011

ગ્રહોની ગતિ ન્યારી અને લીલા ગૂઢ

ઉચ્ચના ગ્રહો ક્યારેક માનવીને અતિશય દુ:ખ અને પારાવાર પરેશાની આપે છે તો નીચેના ગ્રહો માનવીને સુખ-સાહ્યબી આપે છે.

શનિ તુલા રાશિમાં બેસે ત્યારે તે ઉચ્ચનો બની જાય છે અને ઉચ્ચનો શનિ માનવીને નામ, દામ અને કીર્તિ બધું જ આપે છે, પરંતુ સાંસારિક સુખના નામે ભારે શૂન્યાવકાશ સજેઁ છે.

આદર્શવાદી માજી સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઇની મિથુન લગ્નની કુંડળીમાં પાંચમે આવેલા તુલાના (ઉચ્ચ) શનિએ સત્તા તો આપી, પરંતુ ૩૦ વર્ષની નાની ઉંમરે જ લગ્નજીવનમાં જાતીયતાનો ત્યાગ કરી સ્વૈચ્છિક સંસાર સંન્યાસ અપાવવાનું કામ પણ તુલાનો શનિ જ કરી ગયો તેવું કહેવું અતિશયોક્તિભર્યું નથી.

ફલાનિ ગ્રહચારેણ સૂચયંતિ મનીષિણ:
કો વકતા તારતમ્યસ્ય તમેકં વેધસા વિના?

ડાહ્યા વિદ્વાનો ગ્રહ ગતિ મુજબ ફળકથન કરે છે. તો પણ ગ્રહોનું તારતમ્ય (મૂળ ભેદ) વિધાતા સિવાય કોણ કહી શકે? ગ્રહોની ગતિ ન્યારી અને લીલા ગૂઢ અને ભેદી છે. તમે ઇશ્વર હોવ કે માનવ, તમે દેવ હોવ કે દૂત, ગ્રહોની અદાલતમાં કે કાર્યાલયમાં ભ્રષ્ટાચાર કે લાંચનો અવકાશ નથી. તમે ડરો કે મરો- તમારે જે કરવું હોય તે કરો પણ ગ્રહો તો કોઇપણ પૂર્વગ્રહ વિના તમારું જે નક્કી છે તે પ્રમાણે જ કરશે. ગ્રહોનું મન અને માનસ ન્યાયી છે. તેમનું હૃદય નિર્મળ છે. ગ્રહો કહે છે અમને ઓળખવા ભારે છે. અમે ઉચ્ચના હોઇએ તો બહુ ઊંચા થવાની જરૂર નથી અને અમે નીચના હોઇએ તો તમને કોઇ નીચા ગણવાનું નથી.

ગ્રહોની અકળ લીલા અને ગતિને પારખવી તે સામાન્ય માણસના ખેલ નથી કારણ કે ખુદ ભગવાન જ જ્યાં અજાણ છે ત્યાં આપણી શું વિસાત? જન્મકુંડળીમાં કયો ગ્રહ કેવું ફળ આપશે તે અતિ ભેદી બાબત છે કારણ કે નિરીક્ષણમાં એવું આવ્યું છે કે ઉચ્ચના ગ્રહો ક્યારેક માનવીને અતિશય દુ:ખ અને પારાવાર પરેશાની આપે છે તો નીચેના ગ્રહો માનવીને સુખ-સાહ્યબી આપે છે. આજે આ વિભાગમાં એવા જ એક ઉચ્ચના ગ્રહની વાત કરીશું. આ ગ્રહનું નામ છે શનિ. જ્યારે શનિ તુલા રાશિમાં બેસે ત્યારે તે ઉચ્ચનો બની જાય છે અને ઉચ્ચનો શનિ માનવીને નામ, દામ અને કીર્તિ બધું જ આપે છે, પરંતુ સાંસારિક સુખના નામે ભારે શૂન્યાવકાશ સજેઁ છે.

મર્યાદા પુરુષોત્તમ- દશરથ પુત્ર ભગવાન રાજા રામના જીવન ચરિત્રમાં એક વાર પણ ડોકિયું કરવા જઇએ તો તેમના સાંસારિક જીવનની શૂન્યતાનો અહેસાસ માત્ર સૌને ધ્રુજાવી મૂકે તેવો છે. લગ્ન બાદ વનવાસ, પિતાના નિધનનો શોક, પત્ની વિયોગ, યુદ્ધની પીડા, રાજ્યાભિષેક બાદ સીતાનો ધરતીમાં સમાવેશ અને લવ-કુશ વિનાનું સમગ્ર જીવન આ બધાં નકારાત્મક પરિબળો પાછળ તેમની કર્ક લગ્નની કુંડળીમાં ચોથે આવેલો ઉચ્ચનો (તુલાનો) શનિ જવાબદાર છે તેમાં લેશમાત્ર શંકા નથી.

સંસારને અને ખાસ કરીને ભારતને જેમણે માનવમૂત્રની મહત્તા સમજાવી અને બળવાન બદામના આધારે તેમણે લાંબું આયુષ્ય મેળવ્યું. ૮૧ વર્ષની ઉંમરે વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું તેવા આપણા આદર્શવાદી માજી સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઇની મિથુન લગ્નની કુંડળીમાં પાંચમે આવેલા તુલાના (ઉચ્ચ) શનિએ સત્તા તો આપી, પરંતુ ૩૦ વર્ષની નાની ઉંમરે જ લગ્નજીવનમાં જાતીયતાનો ત્યાગ કરી સ્વૈચ્છિક સંસાર સંન્યાસ અપાવવાનું કામ પણ તુલાનો શનિ જ કરી ગયો તેવું કહેવું અતિશયોક્તિભર્યું નથી. સંતાન હોવા છતાં પણ સંતાનસુખની ક્યારેય તેઓ અનુભૂતિ કરી શક્યા નહીં.

આમ તુલાના શનિએ તેમને સંસાર હોવા છતાં સંન્યાસી બનાવ્યા અને પુત્ર વિયોગ આપ્યો હતો. જાજરમાન ફિલ્મ અભિનેત્રી રેખાની જન્મકુંડળી જુઓ. ધન લગ્નની કુંડળીમાં અગિયારમે આવેલા તુલાના (ઉચ્ચ) શનિએ રેખાને વિનોદ મહેરા- દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અને અન્ય ગાંધર્વ વિવાહ બાદ પણ લગ્ને લગ્ને કુંવારી રાખી.

પતિઓએ તેના લગ્નજીવનને પતાવી નાખ્યું અને પ્રેમીઓએ તેને પછાડ્યાં બાદ રેખા હવે એકલવાયો એકાંતવાસ ભોગવી રહી છે. આ બધી અકળ લીલા ઉચ્ચના શનિની છે તે વાતે કોઇ શંકા નથી. ભાજપના ગઢ અને ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની કુંડળીમાં તુલાના શનિએ આજીવન કુંવારા રાખ્યા તેનાથી મોટો પુરાવો કયો આપી શકાય તે તમે જ વિચારો. તુલાના શનિની ખાસિયત છે કે નામ આપે દામ આપે પણ સંસારસુખના નામે એકડા વિનાનાં મીંડાં.

No comments:

Post a Comment