Tuesday, March 22, 2011

નક્ષત્ર પરથી જાણો જાતકનો સ્વભાવ અને વર્ણન

બાળક જન્મ લે તે સમયના જન્મના નક્ષત્ર પરથી જાતકનો સ્વભાવ કેવો હોય તેનું વર્ણન આપની સમક્ષ રજૂ કરું છું.

અશ્વિની નક્ષત્ર : જાતક ઊંચો, ભરાવદાર, મોટી આંખો, દેખાવડો હોય, સ્ત્રી પ્રથમ રજસ્વલા થતી વખતે ચંદ્ર જો અશ્વિની નક્ષત્રનો હોય તો સ્ત્રી ધનવાન,સારા સંતાનવાળી થાય. શ્ચસુર પક્ષને સુખી બનાવે. સ્ત્રીને જન્મનો કેતુ બરાબર ના હોય તો સંતાનમાં બાધા આવે.

ભરણી નક્ષત્ર : લાલ આંખો, પહોળું માથું, બાંધો નબળો,સ્ત્રી જાતક પ્રથમ રજસ્વલા થતી વખતે જો ભરણી નક્ષત્રનો ચંદ્ર હોય તો પતિથી દૂર થવાનો કે વિયોગનો યોગ, તેમજ લાંબી માંદગી ભોગવે, અલ્પ આયુષ્ય જણાય.

કૃતિકા નક્ષત્ર : દેખાવે રૂપાળો, દાંત ખરાબ, સ્ત્રી પાતળી, ઊંચી, નબળી હોય, પ્રથમ રજસ્વલાએ ચંદ્ર કૃતિકા નક્ષત્રનો હોય તો સ્ત્રી દુ:ખી હોય. નક્ષત્રની શાંતિ કરાવવી. આયુષ્ય લાંબું.

રોહિણી નક્ષત્ર : રૂપાળો, પાતળું શરીર, ગોળ ચહેરો, નાના પગ, ઓછું વજન, આયુષ્ય લાંબું, નસીબદાર હોય.

મૃગશીર્ષ નક્ષત્ર : પહોળી છાતી અને ખભા, દેખાવડા, સુખી થાય. ૫૦મા વર્ષે આપત્તિ આવે અને વતન છોડવું પડે. આયુષ્ય લાંબું.

આદ્રા નક્ષત્ર : શરીરે શ્યામ, ઢોંગી, સ્ત્રીને ઋતુ સમયે ચંદ્ર જો આદ્રા નક્ષત્રનો હોય તો અનેક આફત આવે, નક્ષત્રની શાંતિ કરાવવી.

પુનર્વસુ નક્ષત્ર : રૂપાળો, લાલાશભરી આંખો, ચિહ્ન રહિત, સ્ત્રી જાતક પતિપરાયણ બને, કાર્યકુશળ, પૈસાનો દુરુપયોગ કરે.

પુષ્ય નક્ષત્ર : ભૂરી આંખો, રૂપાળી પહોળી પીઠ, મેદવાળું જાડું શરીર હોય કે હાથે કે પગે લાખું, આયુષ્ય મધ્યમ.

આશ્લેષા નક્ષત્ર : બીક લાગે તેવી આંખો, સ્ત્રી જાતક કદરૂપી હોય. ઘરરખ્ખુ થાય. ધૂની, ખંધી તેમજ ગંદી હોય. મધ્યમ આયુષ્ય.

મઘા નક્ષત્ર : લાલાશ પડતી આંખો, પ્રથમ રજસ્વલા વખતે ચંદ્ર મઘા નક્ષત્રનો હોય તો સ્ત્રી દુ:ખી થાય. નક્ષત્રની શાંતિ કરાવવી.

પૂવૉ ફાલ્ગુની : બાંધો દમામદાર, ખભા પહોળા, ગોળ મસ્તક તથા તીવ્ર દ્રષ્ટિ. સ્ત્રી જાતકને પ્રથમ ઋતુ વખતે પૂવૉ ફાલ્ગુનીનો ચંદ્ર હોય તો પતિથી વિયોગ અને ચારિત્રય ભંગ કરે. સંતાન ના થાય અને થાય તો જીવે નહીં.

ઉત્તરા ફાલ્ગુની : ધીમો અવાજ, તંદુરસ્ત દેખાવ, પત્નીથી અસંતોષ રહ્યા કરે. વાતો બોલી કાઢવાની ટેવ.

હસ્ત નક્ષત્ર : દેખાવડો, ઘાટીલો, સ્ત્રી જાતકને વિસ્તૃત વૃક્ષ:સ્થળ હોય, સુઘડ અને સ્વચ્છ તેમજ સુંદર હોય. આયુષ્ય મધ્યમ.

ચિત્રા નક્ષત્ર : મોટા પગ, મીઠી વાણી, તેજસ્વી સુંદર આંખો, સરસ વસ્ત્રો પહેરે, સ્ત્રી જાતક સુદ પૂનમે ચિત્રા નક્ષત્રમાં જન્મેલી હોય તો ચારિત્રય વગરની હોય.પૈસા બગાડે અને છેવટે ગરીબાઇમાં મરે. આયુષ્ય સારું.

સ્વાતિ નક્ષત્ર : ઊંચો બાંધો, પહોળી આંખો, રૂપાળું નાનું પેટ, યાદશક્તિ સારી, મોટા કુટુંબમાં લગ્ન થાય. આયુષ્ય ટૂંકું.

વિશાખા નક્ષત્ર : દેખાવે આકર્ષક, લાંબી આંખો, લેણદેણમાં ફસાય. મોટું મન રાખનાર. સ્ત્રી જાતક પુરુષને જીતીને નસીબદાર થાય. લગ્ન પછી દિયરનું મરણ થાય અથવા દિયર સાથે ઝઘડા કે વાદવિવાદ થાય.

અનુરાધા નક્ષત્ર : દેખાવડો, ખડતલ, ચિહ્ન રહિત, સ્ત્રી જાતિ આગળ નરમ રહે. આયુષ્ય લાંબું.

જયેષ્ઠા નક્ષત્ર : ઘઉંવર્ણો, નાક લાંબું, સુંદર, પેટ ઉપર તલ, સ્ત્રી જાતિ પાસે જતાં નરમ થાય. લગ્ન પછી જેઠ કે મોટા ભાઇનું મરણ, આ નક્ષત્રમાં જન્મેલ જાતકની નક્ષત્રની શાંતિ કરાવવી.

મૂળ નક્ષત્ર : ઘઉંવર્ણો, નબળો બાંધો, ચિહ્ન ના હોય, પરણ્યા પછી અણબનાવ કે છુટાછેડા થવાની શક્યતા. દિવસે જન્મ હોય તો પિતાને અને સંધ્યાકાળે જન્મ હોય તો માતાને માટે કસોટીનો સમય. આ નક્ષત્રની શાંતિ કરાવવી ખૂબ જ જરૂરી છે.

પૂવૉષાઢા નક્ષત્ર : દેખાવડું, એકવડું શરીર, ઊંચો, સ્ત્રી જાતક દેખાવડી, પ્રભાવશાળી આંખો, ઘાટીલા પગ, સ્ત્રી જાતક પ્રથમ ઋતુ વખતે જો ચંદ્ર પૂવૉષાઢા નક્ષત્રનો હોય તો સમાજમાં વગોવાય. આયુષ્ય મધ્યમ.

ઉત્તરાષાઢા નક્ષત્ર : નાક લાંબું, સુઘડ, સ્વચ્છ, નાક ઉપર તલ, લાખુ કે મસો હોય. વાતોડિયા સ્વભાવનો.

શ્રવણ નક્ષત્ર : દેખાવે સાધારણ મેદ હોય, વાતોડિયા સ્વભાવનો, ઘરની બહાર વધારે પડતું રહેવું પડે. આયુષ્ય ખૂબ લાંબું

ધનિષ્ઠા નક્ષત્ર : ભારે જાડું શરીર, મોટા પહોળા પગ, જાડી સાથળ અને ટૂંકી ગરદન. સંગીતનો શોખ, આયુષ્ય મધ્યમ.

શતભિષા નક્ષત્ર : શ્યામ વર્ણ, નાક લાંબું, દુ:ખને ગણકારે નહીં, ખૂબ ક્રોધ કરે. પરદેશનો મોહ રાખે, ૫૩મા વર્ષે અકસ્માતથી સાચવવું.

પૂર્વભાદ્રપદા : આંખો સુંદર, લાંબા હાથ, નબળો બાંધો, બહુ ભણેલા ન હોય. સ્ત્રી પાછળ ખર્ચા કરે, સ્ત્રી ધનવાન કુટુંબમાં પરણે. આયુષ્ય લાંબું.

ઉત્તરાભાદ્રપદા : ઊંચો, માંદલો, લાલ વર્ણ, માંદગીમાં વૃષભ રાશિમાં સૂર્ય અને રવિવાર હોય ત્યારે મરણ થવાની શક્યતા, લાંબું આયુષ્ય જીવે.

રેવતી નક્ષત્ર : દેખાવડો, ઠિંગણો, સ્વચ્છ, સુઘડ અને ઝડપી ચાલનો હોય, વતનની બહાર જિંદગી જીવે. ૪૨ વર્ષે અકસ્માતનો યોગ અને ૬૦મા વર્ષે ધનલાભ. વાચક મિત્રો ઉપરોકત માહિતી મારા અનુભવ મુજબ ઘણી જ સાચી પુરવાર થઇ છે. જેથી આપની સમક્ષ રજૂ કરું છું.

No comments:

Post a Comment