નક્ષત્ર-ગગન
જ્યેષ્ઠા નક્ષત્રને ગંડમૂલ નક્ષત્ર કહેવાય છે. તે વૃશ્ચિક રાશિમાં નો, યા, યી, યુના નામથી પણ ઓળખાય છે. રાશિ સ્વામી મંગળ તથા નક્ષત્ર સ્વામી બુધના આવા જાતકો ઉપર અસર જોવા મળે છે. વૃશ્ચિક રાશિમાં જન્મેલ જાતક સ્ફૂર્તિવાન, સ્પષ્ટવક્તા તથા કડવા વેણ બોલનાર હોય છે.
નક્ષત્ર સ્વામી બુધને કારણે આવો જાતક દરેક વાતને સમજી-વિચારીને એટલે કે તોલીતોલીને બોલનારા હોય છે. તેમની વાણીમાં હંમેશાં ચતુરાઈ જોવા મળે છે. કોઈ પણ બાબત હોય પરંતુ તેઓ પ્રથમ તેમાં પોતાનો સ્વાર્થ શોધે છે અને જો થોડો પણ લાભ તેમને લાગે તો તે કામ કરવા માટે તત્પર રહે છે. આમ પણ મંગળ ઊર્જા તથા સાહસની સાથે મહત્ત્વાકાંક્ષાનો કારક છે.
જ્યારે બુધ વણિક ગ્રહ છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલા જાતકોને નાનપણથી જ બુધની મહાદશા ચંદ્ર અનુસાર ૧૭ વર્ષ અથવા તેનાથી ઓછી પણ હોઈ શકે છે. ત્યારબાદ કેતુ ૭ વર્ષ તથા સૌથી વધારે ૨૦ વર્ષ સુધી શુક્રની મહાદશા લાગુ પડે છે. આથી આ નક્ષત્રમાં જન્મેલા જાતકો માટે કેતુ તથા શુક્રનું શુભ હોવું તેમના જીવનને ઉન્નતિશીલ બનાવશે. જ્યારે વિદ્યા નોકરી તથા વ્યાપારમાં આ જ દશાઓમાં ગ્રહસ્થિતિ અનુસાર ફળ મળે છે.
ત્યારબાદ સૂર્યની ૬ વર્ષ તથા ચંદ્રની ૧૦ વર્ષ માટે મહાદશા લાગુ પડે છે. મંગળની દશા લાગતા-લાગતા જાતકની અડધી ઉંમર વીતી જાય છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો માટે બુધ, કેતુ, શુક્ર, સૂર્ય તથા ચંદ્રમા શુભ હોવા જોઈએ. જ્યારે શુભ ગ્રહોથી યુક્ત અથવા દૃષ્ટિ સંબંધ હોય તો આવા જાતકો પોતાના જીવનનાં બધાં જ લક્ષ્યોને પૂર્ણ કરવામાં સમર્થ હોય છે.
મેષ લગ્નમાં મંગળ જન્મકુંડળીના પાંચમા, નવમા ઘરમાં હોય. બુધ દસમા, અગિયારમા, ચોથા ઘરમાં હોય તો આવો જાતક વ્યાપારમાં, મેનેજમેન્ટના ક્ષેત્રમાં, રાજકારણમાં ઉચ્ચ સફળતા મેળવનાર, આકર્ષક વ્યક્તિત્વનો ધની હોય છે. શુક્ર સાતમા, દસમા, અગિયારમા, બારમા ઘરમાં જાતકને શુભ પરિણામ આપશે.
વૃષભ લગ્નમાં મંગળ તથા બુધની સ્થિતિ જોઈએ તો મંગળ નવમા, અગિયારમા, ચોથા ઘરમાં જ્યારે નક્ષત્ર સ્વામી બુધ પાંચમા, નવમા, ચોથા, બીજા ઘરમાં હોય તો શુભફળદાયી રહેશે. આવા જાતકો ધન-ધાન્યથી પૂર્ણ વિદ્યાવાન અને ઉચ્ચ સફળતા મેળવનારા હોય છે.
મિથુન લગ્નમાં નક્ષત્ર સ્વામી બુધ જન્મકુંડળીના લગ્ન, ચોથા, નવમા ઘરમા હોય અથવા ત્રીજા ઘરમાં ઉત્તમ ફળદાયી બનીને સફળ વહેપારી બને છે. આવા જાતકો માટે પન્ના રત્ન શુભ ફળદાયી હોય છે. ઘણાં લગ્નોમાં બુધની સ્થિતિ પાંચમા, સાતમા, બારમા ઘરમાં શુભફળદાયી હશે, જ્યારે મંગળ પાંચમા, દસમા, નવમા, સાતમા ઘરમાં મધ્યમ રહેશે.
સિંહ લગ્નમાં બુધ જન્મકુંડળીના લગ્ન, ચોથા, બીજા, અગિયારમા અથવા નવમા ઘરમાં શુભ ફળદાયી રહે છે. વિશેષ બીજા ઘરમાં વિશેષ ધનવાન બનાવશે. મંગળ ચોથા, નવમા, લગ્ન, પાંચમા ઘરમાં ઉત્તમ પરિણામ આપનાર ધનવાન અને અનેક ઉદ્યોગોનો માલિક બને છે.
કન્યા લગ્નમાં બુધ જન્મકુંડળીમાં લગ્ન, દસમા, ચોથા, પાંચમામાં ફળદાયી રહેશે. આવા જાતકો વહેપાર, રાજકારણ, પત્રકારત્વ અને પ્રકાશનના ક્ષેત્રમાં સફળતા મેળવનાર હોય છે.
તુલા લગ્નમાં બુધની સ્થિતિ જન્મકુંડળીના નવમા, બારમા, ચોથા, અગિયારમા અને પાંચમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. રાશિસ્વામી અગિયારમા, બીજા, પાંચમા ઘરમાં ઠીક રહેશે.
વૃશ્ચિક લગ્નમાં નક્ષત્ર સ્વામી જન્મકુંડળીના અગિયારમા, ત્રીજા, ચોથા, દસમા ઘરમાં ઉત્તમ ફળદાયી રહેશે. મંગળ લગ્ન, પાંચમા અને અગિયારમા ઘરમાં સ્થિર રહેશે.
ધન લગ્નમાં બુધ જન્મકુંડળીના દસમા, સાતમા, નવમા, પાંચમા અને બીજા ઘરમાં ઉત્તમ ફળ આપે છે. જ્યારે મંગળ લગ્ન, પાંચમા, સાતમા, ચોથા ઘરમાં મધ્યમ રહેશે.
મકર લગ્નમાં બુધ જન્મકુંડળીના નવમા, લગ્ન, ચોથા, અગિયારમા ઘરમાં તથા મંગળ નવમા, પાંચમા, લગ્ન, ચોથા ઘરમાં શુભ રહેશે. પરંતુ પત્ની તથા પતિને માટે કષ્ટકારી પણ હોઈ શકે છે. મંગળ ધન, મકર, મેષનો સ્ત્રી અથવા પુરુષ બંનેનો હોય તો તે યોગ્ય નથી.
કુંભ લગ્નમાં મંગળ જન્મકુંડળીના ચોથા, બીજા, બારમા, અગિયારમા ઘરમાં તથા નક્ષત્ર સ્વામી બુધ, પાંચમા, અગિયારમા, બારમા, લગ્ન, સાતમા ઘરમાં શુભ ફળદાયી રહેશે.
મીન લગ્નમાં નક્ષત્ર સ્વામી બુધ ચોથા, દસમા, નવમા, પાંચમા, અગિયારમા ઘરમાં તથા રાશિ સ્વામી મંગળ લગ્ન, નવમા અને દસમા ઘરમાં મધ્યમ રહેશે. કેતુ તથા શુક્રની સ્થિતિ જો શુભ રહે તો આવા જાતકો ચોક્કસ પણે જીવનમાં સફળતા મેળવે છે અને ધન-સંપત્તિ મેળવે છે.
Share This
No comments:
Post a Comment