Thursday, December 30, 2010

સાહસ, શૌર્ય અને પૌરુષત્વનું પ્રતીક : મંગળ પર્વત

હથેળીમાં ભાવિ

મંગળ પર્વત પર ત્રિકોણનું ચિહ્ન હોય અને બુધના પર્વત પર સમયાંતરે ઊભી રેખાઓ હોય તો જાતક કુશળ સર્જન કે ડોક્ટર થાય છે. તે ડોક્ટર બન્યા પછી ઓપરેશનમાં સફળતા મેળવે છે. માત્ર એકલા મંગળ પર્વત પર ત્રિકોણ હોય તો આવા માણસો લડાઈના મોરચા પર સારી કામગીરી બજાવે છે. તેઓ નીડરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે અને માન-સન્માન પણ મેળવે છે

મંગળના પર્વતનાં ત્રણ સ્થાનો હાથમાં રહેલાં છે. હૃદયરેખા તેમજ મસ્તક રેખાની વચ્ચેનો ભાગ હથેળીના છેડા પર છે, તેને ઉપલો મંગળ કહે છે. તેમજ આ જ બે રેખાઓની વચ્ચેના ભાગને મંગળનું મેદાન કહે છે, જ્યારે જીવનરેખાની શરૂઆતમાં અંદર જે નાનો ઉપસેલો ભાગ હોય છે તેને નીચલો મંગળ કહે છે.

ઉપલા મંગળના ગુણઃ

સાહસ, શોર્ય, પુરુષત્વ, હિંમત, શત્રુઓ પર વિજય, સૈનિક જીવન.

ઉપલા મંગળ પરથી ગળાને લગતાં દરદો, માથામાં વાગવું, કમળો, આંતરડાંઓની બીમારીઓ, સંગ્રહણી, હોજરીમાં સોજો વગેરે રોગો જાણી શકાય છે.

મંગળનું મેદાનઃ

દરેક માણસની જિંદગીમાં ખાસ કરીને ફેરફારો કે સ્થિર જિંદગી જશે કે કેમ? તે સમય આ ભાગ પરથી જોવાય છે. લગભગ ૩૫ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધીની જિંદગીમાં થતા ફેરફારો જોવાનું આ સ્થાન છે.

ઉપલો મંગળ જો સારો ઉઠાવદાર હોય તો માણસમાં હિંમત અને પુરુષત્વના ગુણો ભારોભાર રહેલા હોય છે. પરંતુ જો વધારે પડતો ઉપસેલો હોય તો માણસ નિર્દય સ્વભાવનો અને ઝનૂની બની જાય છે. ઘણી વખત ખૂબ જ ઉપસેલા મંગળવાળા જાતકોના હાથમાં જો હૃદયરેખા અને મસ્તકરેખા જુદી જુદી ન હોતાં એક જ હોય છે. મસ્તકરેખા ટૂંકી હોય તો ઝનૂનમાં આવીને ઊંધાં કામો કરી બેસે છે. લડાઈ-તકરાર તો હાલતાને ચાલતા કરવાવાળા હોય છે.

મંગળ પર્વત પરની આડી રેખાઓ દુશ્મની સૂચવે છે. જો આમાંથી એક રેખા નીકળીને મસ્તકરેખાને કાપતી હોય તો કોઈ પણ મિત્ર તરફથી મોટું નુકસાન થાય છે. જો આ પ્રમાણેની રેખા નીકળીને સૂર્ય રેખાને કાપતી હોય તો કોર્ટ-કચેરીના કામમાં નુકસાન થવાની સંભાવના રહે છે અને આ જ પ્રમાણે ધનરેખાને કાપતી હોય તો ધંધા-રોજગારમાં નુકસાન થવાની શક્યતા રહે છે.

ઉપલા મંગળ પર એક સીધી રેખાવાળા માણસો ખૂબ જ હિંમતવાળા અને બહાદુર હોય છે. આવા માણસો લડાઈના મેદાનમાં સારી બહાદુરી બતાવી શકે છે.

આ પર્વત જો વધુ પડતો ઉપસેલો હોય અને જો તેના પર તારક (સ્ટાર) હોય તો તે વધુ જ ભયંકર પરિણામ આપે છે. આવા માણસોએ ક્યારેય પોતાની પાસે કોઈ હથિયાર વગેરે રાખવું જોઈએ નહીં, કારણ કે તેનાથી બીજા લોકોને ઈજા થવાની શક્યતા રહે છે.

મંગળ પર્વત પર ત્રિકોણનું ચિહ્ન હોય અને બુધના પર્વત પર સમયાંતરે ઊભી રેખાઓ હોય તો જાતક કુશળ સર્જન કે ડોક્ટર થાય છે. તે ડોક્ટર બન્યા પછી ઓપરેશનમાં સફળતા મેળવે છે. માત્ર એકલા મંગળ પર્વત પર ત્રિકોણ હોય તો આવા માણસો લડાઈના મોરચા પર સારી કામગીરી બજાવે છે. તેઓ નીડરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે અને માન-સન્માન પણ મેળવે છે.

મંગળના પર્વત પર આડી-અવળી બારીક રેખાઓ હોય તો શ્વાસનળીમાં સોજો થાય છે અને જો આ સાથે સ્વાસ્થ્ય રેખા પણ તૂટક હોય તો મેનજાઈટીસ જેવા રોગ થવાની પણ શક્યતા રહે છે.

મંગળ પરથી નીકળેલી રેખા હાથમાં જે કોઈ રેખાને કાપતી હોય તો તે રેખા સંબંધી નુકસાન કરે છે. ફક્ત સૂર્યરેખાની બાજુમાં સમાઈ જતી એક જ રેખા અચાનક લાભ આપે છે. આ રેખા તેમ ન હોતાં જો કાપતી હોય તો નુકસાન જ સમજવું. આ પર્વત પર ચોકડી હોય તો તકરારી સ્વભાવ હોય છે. કેટલીક વાર નીચેના ભાગમાં ચોકડી જેવાં ચિહ્નો હોય તો ઓપરેશન કરાવવું પડે તેવી પ્રબળ સંભાવનાઓ રહેલી હોય છે.

મંગળના પર્વત પર વર્તુળ હોય તો આંખ પર ઈજા થાય છે આથી આવા માણસોએ ખાસ સાવચેતી કે દરકાર રાખવી જોઈએ.

આ પર્વત પર ચોરસ હોય તો અકસ્માતે વાગવાથી લડાઈ-ઝઘડામાં થતા હુમલામાંથી બચાવ થાય છે. નીચલો પર્વત સમાન ઉઠાવદાર હોય તો ક્ષમા, ધૈર્ય અને પ્રસંગને ઓળખીને વર્તવાના ગુણ આપે છે.

જોકે પર્વત વધુ પડતો ઉપસેલો હોય તો જાતક સંકુચિત વિચારોવાળો અને જક્કી હોય છે અને જો આ પર્વતનો અભાવ હોય તો તેવા માણસોમાં બિલકુલ સહનશક્તિ હોતી નથી. જો બીજા પર્વતોના મુકાબલે આ બંને પર્વતો સમાન ઉઠાવદાર હોય તો આવા માણસોને સ્વાસ્થ્યનું સુખ સારું હોય છે. તેમજ જમીનની દલાલી કે ખેતીવાડી કરવાથી ફાયદો થાય છે.

જેના હાથમાં આ બંને પર્વતો બેસી ગયા હોય છે તેમને પોતાના જમીન-મકાન ઓછા હોય છે. નીચલા મંગળ પર કાળું ટપકું હોય તો સ્થાવરનો નાશ થાય છે. જો આ પર્વત પર તારક હોય તો આવા જાતકોનું ધન કોર્ટ અને કચેરીમાં જ ખર્ચાઈ જાય છે.

જો આ પર્વત તદ્દન બેસી ગયેલો હોય અને તેમાં ક્રોસ હોય તો આવા માણસોમાં સહનશીલતાનો અભાવ હોય છે. જેથી કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળતા નિરાશા મન-મગજ પર હાવી થઈ જાય છે.

નીચલા મંગળ પરથી નીકળીને જીવનરેખા સુધી જનારી રેખાઓ કૌટુંબિક મૂંઝવણો સૂચવે છે અને જો જીવનરેખાને કાપતી હોય તો પરિવાર ચિંતા કે કૌટુમ્બિક અવરોધોથી ધંધામાં નુકસાન સૂચવે છે. જો આ રેખા આગળ જઈને મસ્તકરેખાને કાપે તો માનસિક આઘાત લાગે તેવા બનાવો પરિવારમાં બને છે અને તેનાથી પણ આગળ જઈને હૃદયરેખાને કાપે તો કોઈ કારણસર આઘાત લાગવાની શક્યતા રહે છે. ઘણી વખત જો આ રેખા શરૂઆતમાં જ સીધી નીકળીને હૃદયરેખાને કાપતી હોય તો સાથીને કષ્ટ સૂચવે છે.

નીચલા મંગળના નીચેના ભાગમાંથી નીકળીને કોઈ રેખા સીધી જઈને હથેળીના બે ભાગ કરતી હોય તો આવા માણસોની જિંદગીમાં ૩૨ કે ૩૬ વર્ષની વય બાદ ધનસંબંધી મહાન મુસીબતો આવે છે. નીચલા મંગળમાંથી જ જીવનરેખાની સાથે જનારી રેખાને મંગળરેખા કે સીસ્ટર લાઈન કહે છે. આ પર્વત પરથી નાનપણમાં ઘટેલા પારિવારિક બનાવો સારી રીતે જાણી શકાય છે. જો નાની રેખા નીકળીને જીવનરેખાને કાપતી હોય તો બાળપણમાં શારીરિક તંદુરસ્તી સારી રહેતી નથી.

No comments:

Post a Comment